વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગ (Department of Social Work) દ્વારા ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે તારીખ ૨૨ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ચાર દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભ્યાસ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિકાસલક્ષી કાર્યક્રમોના અમલીકરણ, ઔદ્યોગિક માનવ સંસાધન વ્યવસ્થાપન, સામાજિક વિજ્ઞાન સંશોધન અને અસંગઠિત ક્ષેત્રની પરિસ્થિતિઓથી વાકેફ કરવાનો છે.
પ્રવાસના પ્રારંભે તા. ૨૨ ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓએ અંકલેશ્વર સ્થિત ‘રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ’ની મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીઓએ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા સમુદાય આરોગ્ય સંભાળ અને યુવા આજીવિકા જેવા સેવાકીય પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી. સંસ્થાના ટ્રસ્ટી ડૉ. હરેશ શાહે વિદ્યાર્થીઓને સંસ્થાના કાર્યો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.
ત્યારબાદ, વિદ્યાર્થીઓએ BEIL ઈન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી. ત્યાં HR વિભાગના વડા શ્રી આશિષ ગુજ્જરે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું સ્વાગત કર્યું હતું અને માનવ સંસાધન (HR) ની ભૂમિકાઓ, કાર્યો તથા કંપનીની નીતિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ માટે ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાની પ્રક્રિયા વિશે પણ જાણકારી મળી હતી.
આ સમગ્ર શૈક્ષણિક પ્રવાસનું આયોજન સમાજકાર્ય વિભાગના નિયામક પ્રો. ડૉ. શિવાની મિશ્રાના માર્ગદર્શન હેઠળ શ્રી રાકેશ ગાંધી અને ડૉ. મિકી કુમારી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ૧૯ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ પ્રવાસ થકી વિદ્યાર્થીઓને વર્ગખંડ બહારનું વ્યવહારુ જ્ઞાન અને ફિલ્ડ વર્કનો મહત્વપૂર્ણ અનુભવ પ્રાપ્ત થયો છે.


