
લાલો – શ્રીકૃષ્ણ સદાય સહાયતે’ ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સો કરોડની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની છે. ફિલ્મના કસબીઓની વાત કરીએ તો, ડિરેક્ટર અંકિત સખિયા ગોંડલ પાસેના મેતા ખંભાળિયા ગામના છે. તેમણે વલ્લભ વિદ્યાનગરમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
નાનપણથી જ ફિલ્મો પ્રત્યેના અનહદ લગાવને કારણે તેઓ ફિલ્મનિર્માણ તરફ વળ્યા હતા. રાઇટર-ડિરેક્ટર તરીકેની તેમની આ પ્રથમ જ ફિલ્મ છે.
અંકિત સખિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, “મને લાગે છે કે હું ગયા જન્મમાં ફિલ્મ નહીં બનાવી શક્યો હોઉં, તેનું લેણું ચૂકવવા આ ભવમાં ફિલ્મમેકર બન્યો હોઈશ. હું નાનો હતો ત્યારે પણ મને રમકડાંનો શોખ નહોતો. હું પેન લઈને લખતો કે ચિતરામણ કર્યા કરતો. તેથી ત્યારથી જ મારા ભાગ્યમાં લખાયેલું હશે કે હું ફિલ્મ બનાવીશ.”
ફિલ્મમેકિંગ એક કપરી કળા છે. તે શીખવી પડે છે. તે શીખવા લોકો દેશ-વિદેશ જાય છે.
અંકિતે કહ્યું હતું કે, “મેં ફિલ્મનો કોઈ કોર્સ નથી કર્યો. જાતે જ બધું શીખ્યા છીએ. અનુભવની એરણ પર ઘડાઈ-ટીપાઈને બધું શીખ્યો છું. મેં પ્રી-વેડિંગ શૂટિંગ કર્યાં, તેના વીડિયોના એડિટિંગ કર્યાં. મરણ પછીના બેસણાનાં પણ શૂટિંગ કર્યાં. તે પછી શોર્ટ ફિલ્મો બનાવી. આ રીતે ઘડાઈ-ટીપાઈને આગળ વધ્યા છીએ. ખરેખર તો ફિલ્મ બનાવવાનું જુસ્સો જ કામ કરી ગયો.”
લાલો’માં કાઠિયાવાડી લાલાનું પાત્ર ભજવનાર કરણ જોષી અમદાવાદના છે. પોતાના પાત્રમાં તેમણે કાઠિયાવાડી બોલી આબાદ ઝીલી છે.
કરણ જોષીએ કહ્યું હતું કે, “મને નાનપણથી જ અભિનય અને નાટક પ્રત્યે લગાવ. મેં હાર્ડવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, પણ મારું ખેંચાણ અભિનયની દુનિયામાં રહ્યું.”
“અમદાવાદની એચ.કે. કૉલેજ નાટક વગેરે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. તેથી મેં ત્યાં ઍડમિશન લીધું હતું. તે પછી મેં ઓરોબોરોસ નામની નાટ્યમંડળીમાં ચિરાગ મોદી સાથે નાટકો કર્યાં હતાં. રાઇટર-ડિરેક્ટર મૌલિકરાજ શ્રીમાળીએ તૈયાર કરેલું ‘ઘોડિયાનો વેશ’ મારું પ્રથમ નાટક હતું. તે પછી મેં સૌમ્ય જોષી, મહેશ ઘોડેસવાર વગેરે નાટ્યકારો સાથે કામ કરીને ઍક્ટર તરીકે મારી જાતને વધારે કેળવી હતી.”




