Google search engine
HomeGujaratજામનગર–દ્વારકા–પોરબંદરના ૫૫ ઉમેદવારો સાથે વિદેશી વિઝાના નામે રૂ. ૨.૬૮ કરોડની મોટી ઠગાઈ

જામનગર–દ્વારકા–પોરબંદરના ૫૫ ઉમેદવારો સાથે વિદેશી વિઝાના નામે રૂ. ૨.૬૮ કરોડની મોટી ઠગાઈ

વિદેશ જવા માટે વર્ક વિઝા અપાવવાના બહાને જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત કુલ ૫૫ ઉમેદવારો પાસેથી કરોડોની રકમ ઉઘરાવી લેવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે. કર્ણાટક અને કેરલા રાજ્યના ચાર શખ્સોએ મળીને રૂ. ૨.૬૮ કરોડની રકમ લઈ પણ કોઈ ઉમેદવારને વિઝા ન અપાતા આખો કિસ્સો બહાર આવ્યો છે.

ફરિયાદી મીતલબેન વિનયકુમાર સુરજીવાળા, જે જામનગર રોડ સ્થિત શ્રીજી પાર્ક-૧ વિસ્તારમાં રહે છે અને વર્ક વિઝા કન્સલ્ટન્સી સાથે સંકળાયેલા છે, તેમણે જણાવ્યું કે જાન્યુઆરી ૨૦૨૪માં કર્ણાટકના મોહમ્મદ ઉવૈસ દ્વારા તેમને માહિતી આપવામાં આવી હતી કે ‘આર્મફલાય પ્રા. લી.’ કંપની મારફતે સ્લોવાકિયા (યુરોપ) દેશના વેરહાઉસમાં ડ્રાયફ્રૂટ પેકેજિંગ, લેબલિંગ અને સ્કેનિંગના કામ માટે ૧૦૦ ઉમેદવારોની જરૂર છે. વ્યક્તિ દીઠ રૂ. ૪.૨૦ લાખ ખર્ચ અને ત્રણ મહિનામાં વિઝા અપાવવાની ખાતરી આપવામાં આવી હતી.

આ આધારે ૬૦ ઉમેદવારોના દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા અને શરૂઆતમાં રૂ. ૧૯ લાખની રકમ મોહમ્મદ ઉવૈસના વિવિધ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી. બાદમાં ઇન્ટરવ્યૂ અને ઓફર લેટરના બહાને રૂ. ૫૯ લાખ, ત્યારબાદ ઓફિસે આવી રોકડા રૂ. ૯૦ લાખ લેવામાં આવ્યા. ત્યારપછી વર્ક કોન્ટ્રાક્ટ લેટરના બહાને વધુ રૂ. ૮૪ લાખ અને ઓફિસમાં રોકડા રૂ. ૨૫ લાખ લેવામાં આવ્યા હતા.

વિઝા સબમિશનની તારીખ આપવામાં ન આવતા ફરિયાદીઓએ વર્ક પરમિટ રદ કરવાની ઈમેલ મોકલી હતી, ત્યારે વધુ રૂ. ૧૮ લાખ તથા બેંગલોર ઓફિસે જઈ રૂ. ૩ લાખ પણ ચૂકવવામાં આવ્યા. આમ, કુલ રૂ. ૧.૮૦ કરોડ ઓનલાઇન અને રૂ. ૮૮ લાખ રોકડા મળી કુલ રૂ. ૨.૬૮ કરોડની રકમ ચુકવાઈ હોવા છતાં એક પણ ઉમેદવારનો વિઝા સબમિટ કરવામાં આવ્યો નથી.

આરોપીઓએ બાદમાં લિથુઆનિયા દેશમાં ૪૫ દિવસમાં ટી.આર.સી. કાર્ડ અપાવવાની કે ૯૦ દિવસમાં તમામ રકમ પરત આપવાની વાત કરી હતી, પરંતુ ન તો વિઝા મળ્યા અને ન તો પૈસા પરત કરાયા. આ રીતે દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના ૫૫ ઉમેદવારો સાથે રૂ. ૨.૬૮ કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાનો ગુનો નોંધાયો છે. આ મામલે એએસઆઇ વી.જે. ધગલે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ મકરાણી તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments