ગાંધીનગરથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયની નિવૃત્તિ બાદ, રાજ્ય સરકારે નવા કાયમી DGPની જાહેરાત કરવાને બદલે હાલ પૂરતો ચાર્જ સોંપવાનો નિર્ણય લીધો છે. ૧૯૯૨ બેચના વરિષ્ઠ અને અનુભવી IPS અધિકારી ડૉ. કે.એલ.એન. રાવની ગુજરાતના ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિકાસ સહાયનો કાર્યકાળ અગાઉ જ પૂર્ણ થયો હતો, પરંતુ તેમને ૩૧મી ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે આજે સમાપ્ત થયું છે.
રાજ્ય સરકાર સમક્ષ નવા કાયમી પોલીસ વડાની પસંદગીને લઈને લાંબા સમયથી અવઢવ ચાલી રહી હતી. આ રેસમાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ અંતિમ ઘડીએ સરકારે સિનિયોરિટીને પ્રાધાન્ય આપીને ડૉ. રાવને સુકાન સોંપ્યું છે. જોકે, તેમને કાયમી નિમણૂક આપવાને બદલે હાલ ‘ઈન્ચાર્જ’ તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે, જેને લઈને પોલીસ બેડામાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.
ડૉ. કે.એલ.એન. રાવની કારકિર્દી પર નજર કરીએ તો, તેઓ હાલ CID ક્રાઈમ અને રેલવેમાં DGP તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમનો નિવૃત્તિ સમય ઓક્ટોબર ૨૦૨૭માં છે, એટલે કે તેમની પાસે હજુ ૨૨ મહિના જેટલો સમય બાકી છે. ભૂતકાળમાં તેમણે હિંમતનગર, ખેડા અને મહેસાણા જેવા જિલ્લાઓમાં SP તરીકે, રાજકોટ રેન્જમાં DIG તરીકે અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે મહત્વની જવાબદારીઓ નિભાવી છે. રાજ્યના જેલ વિભાગના વડા તરીકેનો તેમનો કાર્યકાળ પણ ખૂબ લાંબો અને નોંધપાત્ર રહ્યો છે. હવે જોવું રહ્યું કે સરકાર આગામી સમયમાં તેમને કાયમી કરે છે કે અન્ય કોઈ અધિકારીની પસંદગી કરે છે.


