આજની ભાગદોડ ભરેલી જિંદગી અને અનિયમિત આહારશૈલીને કારણે મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત સ્થૂળતા નિવારવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. વજન નિયંત્રણ માટે માત્ર કસરત જ નહીં, પરંતુ સંતુલિત આહાર પણ અત્યંત આવશ્યક છે, જેમાં ફળો મહત્વની ભૂમિકા ભજવે છે. ફળો માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ તેમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
ફળોમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વારંવાર ભૂખ લાગતી અટકાવે છે. આનાથી ઓવરઈટિંગ ટાળી શકાય છે અને પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. વધુમાં, મોટાભાગના ફળોમાં કેલરી અને ચરબીનું પ્રમાણ નહિવત્ હોય છે, જેથી વજન વધવાની ચિંતા કર્યા વિના તેનું સેવન કરી શકાય છે. ફળોમાં રહેલી કુદરતી શર્કરા પ્રોસેસ્ડ ફૂડની ખાંડ કરતાં અનેકગણી વધુ સ્વાસ્થ્યપ્રદ છે, જે ગળ્યું ખાવાની તલપને પણ સંતોષે છે.
નિષ્ણાતોના મતે, ફળોનો રસ કાઢવાને બદલે આખા ફળ ખાવા વધુ હિતાવહ છે, કારણ કે જ્યૂસમાં ફાઈબર નાશ પામે છે. સવારના નાસ્તામાં કે કસરત બાદ ફળોનું સેવન શ્રેષ્ઠ છે, પરંતુ રાત્રે સૂતા પહેલાં વધારે ફળો ખાવાનું ટાળવું જોઈએ. આમ, દૈનિક આહારમાં યોગ્ય રીતે ફળોનો સમાવેશ કરીને મેદસ્વિતાને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે અને એક તંદુરસ્ત જીવનશૈલી અપનાવી શકાય છે.
વજન ઘટાડવાનો સૌથી મીઠો અને સરળ રસ્તો: જાણો ફળોના અદ્ભુત ફાયદા
RELATED ARTICLES


