ઓખા–બેટ દ્વારકા વચ્ચે આવેલા સુદર્શન સેતુ પર નિયમભંગ કરીને બનાવાયેલ વિવાદિત વિડીયો ફરીથી વાયરલ બન્યો છે. ‘આશાપુરા હાઈસ્કૂલ થરાદ’ નામનાં એકાઉન્ટ પરથી અપલોડ થયેલા આ વિડીયોએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા તેડી છે. સાયબર પોલીસ તપાસમાં પ્રવેશી છે.
Instagram Link
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રના મધ્યમાં નિર્માણ થયેલું સુદર્શન સેતુ આજકાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. અહીં સુંદર નજારાઓ વચ્ચે લોકો અવારનવાર રીલ બનાવે છે, જોકે ઘણી વખત નિયમોનું ઉલ્લંઘન થતાં વિવાદો ઊભા થાય છે. તાજેતરમાં એક વધુ વિડીયો વાયરલ થયો છે, જેને કારણે ફરી ચર્ચાનો માહોલ ગરમાયો છે.
વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે બ્રીજ પર ગાદલું પાથરી તેના ઉપર એક વ્યક્તિ ઓઢણી જેવી વસ્તુ માથે ઓઢીને ધુણતા દેખાય છે. આસપાસ યુવાનોનો જૂથ ટોળે વળેલો નજરે પડે છે, જાણે કોઈ પ્રદર્શન કે રીલની શૂટિંગ ચાલી રહી હોય. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વિડીયો ‘આશાપુરા હાઈસ્કૂલ થરાદ’ નામના એકાઉન્ટ પરથી અપલોડ થયો હોવાનું સામે આવ્યું છે.
આ માહિતી બહાર આવતા વિડીયોમાં દેખાતા યુવાનોનું આ શૈક્ષણિક સંસ્થા સાથે કોઈક રીતે સંકળાયેલ હોવાની આશંકા ઊભી થઈ છે. શિક્ષણ સાથે જોડાયેલા એકાઉન્ટ પરથી આવી વિવાદિત સામગ્રી મૂકાશે તો તેના સામાજિક અને નૈતિક પ્રભાવને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
સુદર્શન સેતુ પર આવી રીતે નિયમભંગ કરીને રીલ બનાવવાના કિસ્સાઓ નવા નથી, પરંતુ દરેક ઘટના પછી સુરક્ષા વ્યવસ્થા, દેખરેખ અને નિયમોના અમલીકરણ વિશે સવાલો ફરી ઊભા થાય છે. હવે સાયબર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આ વિડીયો અપલોડ કરનારાઓ સામે આગળ શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.


