દ્વારકા,
ગુજરાત રાજ્યને પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં અગ્રેસર કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવતા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ ખાતે આગામી તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે.
આ મહોત્સવના સુચારૂ સંચાલન અને વ્યવસ્થાપન માટે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ખંભાળીયા ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ દેશ-વિદેશથી આવતા પતંગબાજોની આગતા-સ્વાગતા અને મહોત્સવ દરમિયાનની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી વિગતો મેળવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પતંગબાજો માટે ખાસ સ્ટોલ, સ્ટેજ વ્યવસ્થા, અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રવાસીઓ અને સ્પર્ધકોની સુવિધા માટે સ્વચ્છતા, ફાયર સેફ્ટી, મોબાઈલ ટોયલેટ, પાર્કિંગ વ્યવસ્થા, પીવાનું પાણી અને કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મેડિકલ ટીમ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ ખાસ આદેશો અપાયા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હેતલ જોશી તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવરાજપુર બીચ પર યોજાનાર આ મહોત્સવ દ્વારકાના પ્રવાસન ઉદ્યોગને નવી ઊંચાઈઓ આપશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.


