ગુજરાતમાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો (હાઈ ટેન્શન પાવર લાઈન) બાબતે ખેડૂતોને થતા અન્યાય મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક વિગતવાર પત્ર લખીને સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. પાલભાઈ આંબલિયાએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર, પોલીસ અને પ્રશાસન ખેડૂતોના બદલે ખાનગી વીજ કંપનીઓની તરફદારી કરી રહ્યા છે.
કાયદા અલગ અને વળતર અલગ?
પત્રમાં જણાવ્યા અનુસાર, ખેડૂતોને નોટિસ જૂના કાયદા (૧૮૮૫ અને ૨૦૦૩) મુજબ આપવામાં આવે છે, પરંતુ વળતર ચૂકવવાની વાત આવે ત્યારે સરકારના નવા પરિપત્રો (૨૦૧૭ થી ૨૦૨૪) આગળ ધરવામાં આવે છે, જે ખેડૂતો માટે નુકસાનકારક છે. જો નોટિસ કાયદા મુજબ અપાતી હોય, તો વળતર પણ ૨૦૧૩ના જમીન સંપાદન કાયદા મુજબ બજાર ભાવના ચાર ગણું મળવું જોઈએ, જેવી રીતે રાજસ્થાન સરકાર આપી રહી છે.
ખેડૂતોને થતું કાયમી નુકસાન
વીજ લાઈન નીકળવાથી ખેતરની જમીન બિનખેતી (NA) થઈ શકતી નથી, જેના કારણે જમીનની કિંમત કાયમી ધોરણે ઘટી જાય છે. ખેડૂતો કોરિડોર વિસ્તારમાં મકાન, બોર કે કૂવો બનાવી શકતા નથી અને હેવી લાઈનને કારણે જાન-માલનું જોખમ પણ રહે છે. પાલભાઈએ માંગ કરી છે કે જેમ મોબાઈલ ટાવરનું માસિક ભાડું મળે છે, તેમ વીજ ટાવરનું પણ ભાડું મળવું જોઈએ અથવા એક પોલ દીઠ ૨ કરોડ રૂપિયા (૭૬૫ કેવી લાઈન માટે) વળતર મળવું જોઈએ.
કિસાન સંઘ સાથેની બેઠક પર સવાલ
કિસાન કોંગ્રેસ ચેરમેને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર ખેડૂતોના પ્રશ્નો માટે માત્ર ‘ભારતીય કિસાન સંઘ’ સાથે જ કેમ બેઠક કરે છે? અન્ય ખેડૂત સંગઠનોને કેમ દૂર રાખવામાં આવે છે? તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતોની માંગણીઓ મુજબ વળતર નીતિમાં સુધારો કરવામાં નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


