વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષના આગમનની પૂર્વ સંધ્યાએ આજે વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશ ખાતે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર અનંત અંબાણીએ દર્શન કર્યા હતા. દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે અંબાણી પરિવાર અહીં આવી પહોંચતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
૩૧મી ડિસેમ્બરના પાવન અવસરે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિભાવ પૂર્વક પૂજા-અર્ચના કરી હતી અને કાળિયા ઠાકોરના આશીર્વાદ મેળવ્યા હતા. તેઓએ મંદિરમાં વિશેષ દર્શન કર્યા હતા અને સમગ્ર દેશ તેમજ પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અંબાણી પરિવારની દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને તેઓ શુભ પ્રસંગોએ અવારનવાર અહીં શીશ ઝુકાવવા આવતા હોય છે.
આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં સુરક્ષાની પણ વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી હતી. દર્શન કર્યા બાદ મંદિરના પૂજારીઓ અને ટ્રસ્ટી મંડળ દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫ના વિદાય ટાણે મુકેશ અંબાણી અને અનંત અંબાણીની આ મુલાકાત દ્વારકા નગરીમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.


