મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ કંપની સામે પ્રદૂષણ સહિતની અનેક ફરિયાદોને આધારે દ્વારકા પ્રાંત અધિકારીની આગેવાનીમાં અધિકારીઓનો કાફલો સ્થળ તપાસ, સેમ્પલીંગ અને પુરાવા સંગ્રહ માટે કંપની વિસ્તારોમાં પહોંચ્યો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે આવેલી ટાટા કેમિકલ્સ કંપની સામે છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણ સંબંધિત અનેક ગંભીર ફરિયાદો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. આજ રોજ દ્વારકા પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાકીદની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓનો મોટો કાફલો કંપનીના વિસ્તારોમાં સ્થળ તપાસ માટે પહોંચ્યો.
ફરિયાદો મુજબ આસપાસના ગામોમાં ધૂળ, રસાયણિક ગંધ, પાણી પ્રદૂષણ અને હવા ગુણવત્તામાં ઘટાડા જેવી સમસ્યાઓ નોંધાયા બાદ સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તંત્રએ આ તમામ મુદ્દાઓને ગંભીરતાથી લઈ ટાટા કંપનીના પ્રોડક્શન યુનિટ, વેસ્ટ ડિસ્પોઝલ ઝોન, સમુદ્ર કિનારેના આઉટલેટ અને અન્ય મહત્વના વિસ્તારોમાં સેમ્પલીંગની પ્રક્રિયા હાથ ધરી.
અધિકારીઓએ સ્થળ પર હવા, પાણી અને માટીના નમૂનાઓ એકત્ર કરી વધુ પ્રયોગશાળામાં મોકલવાની તૈયારી કરી છે. તપાસ દરમિયાન કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તંત્રએ તેમને વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ આપવા સૂચના આપી.
સ્થાનિક લોકોની માન્યતા છે કે પ્રદૂષણની અસર ખેતી, પશુપાલન અને માનવીના સ્વાસ્થ્ય પર પડી રહી છે. આથી તંત્રની આ કાર્યવાહીથી લોકોએ આશા વ્યક્ત કરી છે કે વાસ્તવિકતા બહાર આવશે અને જરૂરી પગલાં શક્ય બનશે.


