દ્વારકાના આંગણે સિનેમાના ઇતિહાસમાં એક નવી પહેલ જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં પ્રથમ વખત કોઈ ફિલ્મને ઓપન ગ્રાઉન્ડમાં હજારો દર્શકોની ઉપસ્થિતિમાં પ્રદર્શિત કરવામાં આવી છે. દ્વારકાના સર્કિટ હાઉસની પાછળ આવેલા વિશાળ મેદાનમાં ગુજરાતી ફિલ્મ ‘લાલો’નું ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું.
આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે ફિલ્મના કલાકારો (સ્ટારકાસ્ટ) પણ દર્શકોની વચ્ચે હાજર રહ્યા હતા. પોતાના મનપસંદ કલાકારોને રૂબરૂ નિહાળવા અને ઓપન થિયેટરના રોમાંચનો અનુભવ કરવા માટે મોટી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉમટી પડ્યા હતા. મેદાન દર્શકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું, અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ આયોજનથી દ્વારકાના લોકોને મનોરંજનની સાથે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ પણ મળ્યો છે. ‘લાલો’ ફિલ્મને મળેલા આ ભવ્ય પ્રતિસાદે ગુજરાતી સિનેમા પ્રત્યે લોકોના પ્રેમને ફરી એકવાર સાબિત કરી દીધો છે.


