યાત્રાધામ દ્વારકામાં શિયાળાની ગુલાબી ઠંડીનું આગમન થતાં જ જગતમંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશની સેવા-પૂજામાં પણ ઋતુને અનુરૂપ ફેરફારો જોવા મળ્યા છે. “યથા દેહે તથા દેવે”ની ઉક્તિ સાર્થક કરતા હોય તેમ, પ્રભુને ઠંડીથી રક્ષણ આપવા માટે વિશેષ ગરમ વસ્ત્રો પરિધાન કરાવવામાં આવ્યા હતા.
ભગવાન શ્રી કૃષ્ણને મખમલી ગરમ વસ્ત્રો, રજવાડી આભૂષણો અને મનમોહક દિવ્ય શૃંગાર સજાવવામાં આવતા કાળિયા ઠાકોરનું રૂપ અત્યંત અલૌકિક અને તેજસ્વી ભાસતું હતું. મંગળા આરતી અને શૃંગાર આરતી સમયે પ્રભુના આ અલૌકિક દર્શન કરીને ઉપસ્થિત હજારો ભાવિકો ભાવવિભોર અને મંત્રમુગ્ધ બની ગયા હતા. વાતાવરણમાં ફેલાયેલી ભક્તિમય ઉષ્માએ ઠંડીને પણ ભુલાવી દીધી હતી.


