દેવભૂમિ દ્વારકામાં ટ્રાફિક વ્યવસ્થા હાલ ભગવાન ભરોસે હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પવિત્ર યાત્રાધામ હોવા છતાં, અહીંના ટ્રાફિક જવાનો અને પોલીસતંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જિલ્લા પોલીસ વડા (SP) અને કલેક્ટર દ્વારા શહેરના અમુક ચોક્કસ વિસ્તારોમાં પાર્કિંગ પર કડક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં, આ આદેશોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તંત્ર મુકપ્રેક્ષક બની બેઠું છે.
શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરેલી ગાડીઓને કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા ઊભી થઈ છે, જે હવે વાહનચાલકો અને રાહદારીઓ માટે શિરદર્દ સમાન બની ગઈ છે. ગેરકાયદેસર પાર્કિંગને લીધે રસ્તાઓ અત્યંત સાંકડા થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો રોજિંદા બની ગયા છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવા છતાં, તેનો જમીની સ્તરે અમલ કરાવવામાં ટ્રાફિક પોલીસ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે.
સૌથી ગંભીર ચિંતાનો વિષય એ છે કે જો આ ગીચ ટ્રાફિકમાં કોઈ ઈમરજન્સી સેવા, જેમ કે એમ્બ્યુલન્સ ફસાઈ જાય અને સમયસર સારવાર ન મળવાને કારણે કોઈ દર્દીનો જીવ જોખમમાં મુકાય, તો તેની જવાબદારી કોની રહેશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? દ્વારકાવાસીઓ અને યાત્રાળુઓ હવે આશા રાખી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ વહેલી તકે જાગે અને કડક કાર્યવાહી કરી શહેરની કથળેલી ટ્રાફિક વ્યવસ્થાને સુધારે.
દ્વારકામાં ટ્રાફિકની ગંભીર સમસ્યા: પોલીસની ઘોર બેદરકારી, એમ્બ્યુલન્સ ફસાય તો જવાબદાર કોણ?
RELATED ARTICLES


