દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આવેલ ભાગિરથી મંદિર ખાતે એકાદશ રુદ્ર મહાદેવ મંદિરના સંચાલન કરતા વૃદ્ધ મહારાજ પર વહેલી સવારે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શાંતિપૂર્ણ ધાર્મિક સ્થળે બનેલી આ ઘટના સ્થાનિકોમાં ભય અને આક્રોશ ફેલાવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બે અજાણ્યા શખ્સોએ મંદિરના દરવાજા તોડી અંદર ઘૂસીને વૃદ્ધ મહારાજ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મહારાજના માથાના ભાગે જોરદાર માર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાથી મંદિર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા દ્વારકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હુમલાખોરો કોણ છે, હુમલાનું કારણ શું છે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં કેવી ખામી રહી તે તમામ મુદ્દાઓ પર પોલીસ દ્વારા ગંભીર તપાસ હાથ ધરવામાં આવી છે.
ધાર્મિક સ્થળે આ પ્રકારની હિંસક ઘટના બનતા મંદિરની સુરક્ષા અને વૃદ્ધ સંતોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


