દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પ્રજાની સેવામાં વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે, પોલીસ વિભાગે નાગરિકોની ખોવાયેલી ખુશીઓ પરત અપાવવા માટે પણ સરાહનીય કામગીરી કરી છે. જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની કિંમતના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.
ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી (DySP) શ્રી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે જહેમત ઉઠાવીને કુલ 10 જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. અંદાજે રૂ. 1,58,000ની કિંમતના આ મોબાઈલ ફોન ડીવાયએસપી શ્રી માનસેતાના હસ્તે મૂળ માલિકોને સન્માનભેર પરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અરજદારોના ચહેરા પર મોબાઈલ પરત મળ્યાની ખુશી અને પોલીસ પ્રત્યેનો આભાર સ્પષ્ટ જોઈ શકાતો હતો.
બીજી તરફ, કલ્યાણપુર પોલીસ સ્ટેશન પણ પ્રજા માટે ‘ખુશીઓનું કેન્દ્ર’ બન્યું હતું. અહીં પણ CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસે 8 જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 1,54,000 થાય છે. કલ્યાણપુર પોલીસે પણ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજીને આ મોબાઈલ ફોન તેના સાચા માલિકોને પરત સોંપ્યા હતા.
જ્યાં ડીવાયએસપી શ્રી વી.પી. માનસેતા સાહેબ જેવી ખુમારી અને નેતૃત્વ હોય, ત્યાં પોલીસ પ્રજાના મિત્ર તરીકેની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવે છે. ખંભાળિયા અને કલ્યાણપુર પોલીસની આ કામગીરીએ ફરી એકવાર ‘ખાખી’નું ગૌરવ વધાર્યું છે અને ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ એ સૂત્રને સાર્થક કર્યું છે.
દેવભૂમિ દ્વારકા પોલીસનો પ્રજાલક્ષી અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ ખંભાળિયા અને કલ્યાણપુર પોલીસે લાખોની કિંમતના ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા
RELATED ARTICLES


