દ્વારકાના યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. ગુજરાત પોલીસ, પેરા મિલિટરી અને આર્મી અગ્નવીર જેવી સુરક્ષા દળોમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે એક ખાસ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ભરતી પ્રક્રિયા અંગે સચોટ અને વિગતવાર માહિતી પૂરી પાડવાનો છે.
આ સેમિનારમાં શારીરિક કસોટી, લેખિત પરીક્ષાની તૈયારી, જરૂરી દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) અને મેડિકલ ટેસ્ટ સહિતની તમામ મહત્વપૂર્ણ બાબતો પર માર્ગદર્શન આપવામાં આવશે. આ માર્ગદર્શન નિવૃત્ત આર્મી અધિકારીઓ અને હાલ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવશે, જેથી ઉમેદવારોને અનુભવી માર્ગદર્શકો પાસેથી સીધું જ જ્ઞાન મળી રહે.
સેમિનારમાં માર્ગદર્શન આપવા માટે દ્વારકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ટી.સી.એસ.આર.ડી. (ટાટા કેમિકલ્સ) ના પ્રતિનિધિઓ તેમજ માણેક ડિફેન્સ એકેડેમીના તજજ્ઞો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, આર્મીના નિવૃત્ત અધિકારીઓ સર્વશ્રી રામશીંગભા માણેક, શિરીષભાઇ પંડયા, એ.ડી.ભેડા અને આર.વી.ઓડેદરા પણ પોતાના અનુભવો અને જ્ઞાનનો લાભ આપશે.
આ સેમિનાર તારીખ ૧૮/૧૨/૨૦૨૫, ગુરૂવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે તાલુકા પંચાયત કચેરી, દ્વારકા ખાતે યોજાશે. પોલીસ અને સેનામાં ભરતી થઈ દેશસેવા કરવા ઉત્સુક તમામ ભાઈઓ અને બહેનોને આ સેમિનારમાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


