Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદ્વારકામાં નવા વર્ષની ઉજવણી ટાણે ભક્તોનું ઘોડાપૂર: ૨૫૦૦થી વધુ રૂમ હાઉસફૂલ, તંત્ર...

દ્વારકામાં નવા વર્ષની ઉજવણી ટાણે ભક્તોનું ઘોડાપૂર: ૨૫૦૦થી વધુ રૂમ હાઉસફૂલ, તંત્ર ખડેપગે

નાતાલના વેકેશન અને નવા વર્ષની ઉજવણીના પાવન અવસરે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. ૨૦મી ડિસેમ્બરથી જ અહીં દર્શનાર્થીઓ અને પ્રવાસીઓનો અવિરત પ્રવાહ શરૂ થઈ ગયો છે. દેશ-વિદેશ અને ખાસ કરીને ભારતના હિન્દીભાષી રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે, જેના કારણે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણભક્તિના રંગે રંગાઈ ગઈ છે.
યાત્રાધામમાં ઉમટેલી ભારે ભીડને પહોંચી વળવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, એસ.પી. જયરાજસિંહ વાળા, ડીવાય.એસ.પી. સાગર રાઠોડ, પ્રાંત અધિકારી અમોલ આવટે અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ હેડક્વાર્ટર છોડીને દ્વારકામાં જ મુકામ કરી રહ્યા છે જેથી યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને સુવ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે.
યાત્રિકોના ઘસારાને કારણે શહેરમાં રહેવાની વ્યવસ્થા પર મોટું ભારણ જોવા મળ્યું છે. હોટલ, રિસોર્ટ, અતિથિગૃહો અને હોમ-સ્ટે સહિતના ૨૫૦૦ જેટલા રૂમો હાઉસફૂલ થઈ ચૂક્યા છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે અનેક પ્રવાસીઓને રાત્રિરોકાણ માટે જામનગર, પોરબંદર અને રાજકોટ જેવા નજીકના શહેરો તરફ લંબાવવું પડી રહ્યું છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની માંગમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
મંદિર વ્યવસ્થાપન અને પોલીસ દ્વારા ભીડ નિયંત્રણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગોમતી ઘાટ અને છપ્પનસીડી વિસ્તારમાં બેરીકેટીંગ ગોઠવીને યાત્રિકોને ચુસ્ત સુરક્ષા તપાસ બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. મંદિરના પૂજારીઓ અને ગુગળી જ્ઞાતિના પંડાઓ પણ તંત્રને પૂરો સહકાર આપી રહ્યા છે. બીજી તરફ, શારદાપીઠ, સ્વામિનારાયણ મંદિર, ગાયત્રી શક્તિપીઠ અને અન્ય આશ્રમો જેવી ધાર્મિક સંસ્થાઓમાં પણ યાત્રિકો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર દ્વારકામાં ૨૪ કલાક ધમધમતા રસ્તાઓ અને ભક્તિમય માહોલને કારણે દ્વારકા કોઈ મેટ્રો સિટી હોય તેવો આભાસ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments