દ્વારકા નગરપાલિકા દ્વારા આગામી તા.૦૫-૦૧-૨૦૨૬ ના રોજ જનરલ બોર્ડ મીટીંગ યોજાવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દર વખતની જેમ વિકાસલક્ષી ઠરાવોની લાંબી યાદી રજૂ કરવામાં આવશે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું આ મીટીંગો માત્ર કાગળ પરની કાર્યવાહી પૂરતી જ રહી જાય છે ?
દરેક વોર્ડમાં સીસીટીવી કેમેરા, પબ્લિક એનાઉન્સીંગ સિસ્ટમ, નવી એમ્બ્યુલન્સ, રોડ લાઈટ, પાઈપલાઈન, સમ્પ, સ્મશાનગૃહ, સ્કૂલના રૂમો, લેગેસી વેસ્ટ સહિતના મુદ્દાઓ વર્ષોથી એજન્ડામાં ફરી ફરીને આવતાં હોવા છતાં આજદિન સુધી અનેક કામો અધૂરા, વિલંબિત અથવા માત્ર સર્વે સુધી જ સીમિત કેમ છે તેવો પ્રશ્ન શહેરીજનો પુછી રહ્યા છે.
શહેરમાં આજે પણ ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે, સીસીટીવી માત્ર નામ પૂરતા છે, જાહેર ઘોષણાઓની વ્યવસ્થા અસંગત છે અને ગંદકી તથા લેગેસી વેસ્ટનું પ્રશ્ન વર્ષોથી યથાવત છે. વિકાસના નામે દર વર્ષે કરોડોના ખર્ચના ઠરાવો થાય છે, પરંતુ તેનો વાસ્તવિક લાભ સામાન્ય નાગરિક સુધી પહોંચતો દેખાતો નથી.
નગરપાલિકાની મીટીંગોમાં ચર્ચા કરતા વધુ મહત્વપૂર્ણ અમલ અને જવાબદારી હોવી જોઈએ. કયા કામ માટે કેટલો ખર્ચ થયો, કેટલા કામ સમયમર્યાદામાં પૂર્ણ થયા અને કેટલામાં ગુણવત્તા જાળવાઈ – આ તમામ મુદ્દાઓ પર જાહેર રીતે સ્પષ્ટતા થવી જોઈએ.
શહેરીજનોમાં એવી પણ ચર્ચા છે કે વિકાસના નામે સતત નવા કામો ઉમેરવામાં આવે છે, પરંતુ જુના અધૂરા પ્રોજેક્ટ્સની કોઈ જવાબદારી નક્કી થતી નથી. જનરલ બોર્ડ માત્ર ઠરાવ પસાર કરવાની મંચ ન બની જાય, પરંતુ સાચા અર્થમાં જનહિત માટે પરિણામલક્ષી નિર્ણય લેવાય તેવી અપેક્ષા જનતા રાખી રહી છે.
હવે જોવાની વાત એ છે કે આવનારી જનરલ બોર્ડ મીટીંગમાં માત્ર વિકાસની વાતો થશે કે પછી વાસ્તવિક સમસ્યાઓ પર કડક નિર્ણય અને જવાબદારી પણ નક્કી કરવામાં આવશે ?


