નૂતન વર્ષ ૨૦૨૬ના પ્રારંભે જ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા જુગારધામ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ વર્ષની ‘બોણી’માં જ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના એ.એસ.આઈ. મસરીભાઇ ભારવાડીયા, જેશલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયા અને કુલદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમી મળી હતી કે ફુરંગા ગામની સીમ વિસ્તારમાં મધ્યરાત્રિએ મોટાપાયે ઘોડીપાસાનો જુગાર રમાઈ રહ્યો છે.
પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં જામનગર અને દ્વારકા જિલ્લાના કુલ ૨૪ જેટલા ઈસમો પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૬,૭૦,૨૦૦, ૧૭ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૯૬,૦૦૦), ૪ ફોરવ્હીલર કાર (કિંમત રૂ. ૧૧,૦૦,૦૦૦) અને ૨ મોટરસાયકલ (કિંમત રૂ. ૪૦,૦૦૦) કબજે કર્યા હતા. આમ, પાસા અને અન્ય સાધનો સહિત કુલ રૂપિયા ૧૯,૦૬,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં ૨૦૨૬ના વર્ષની શરૂઆતમાં જ LCBનો સપાટો: ૧૯ લાખના મુદ્દામાલ સાથે ૨૪ જુગારીઓ ઝડપાયા
RELATED ARTICLES


