યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે પાયાની સુવિધાઓનો અભાવ હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ અંગે જાગૃત નાગરિક અંકિત એમ. સામાણી દ્વારા દ્વારકા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, જગતમંદિરની આસપાસના અંદાજિત ૫૦૦ મીટરના વિસ્તારમાં યાત્રિકો માટે ટોયલેટ કે યુરીનલની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી, જેના કારણે દર્શનાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, અગાઉ જગતમંદિર નજીક ભીડભાડવાળા વિસ્તારોમાં જે ટોયલેટ અને યુરીનલની સુવિધાઓ હતી, તે સ્વચ્છતા, ટ્રાફિક કે અન્ય કારણોસર દૂર કરી દેવામાં આવી હતી. હાલમાં સ્મશાન પાસે એક સુલભ શૌચાલય નિર્માણાધીન છે, પરંતુ તે પણ મંદિરથી ઘણું દૂર હોવાથી યાત્રિકો માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ નથી. આ પરિસ્થિતિને કારણે દૂર-સુદૂરથી આવતા પ્રવાસીઓ અને ખાસ કરીને મહિલાઓ અને વડીલોને વ્યાપક પરેશાની વેઠવી પડે છે.
અંકિત સામાણીએ માંગ કરી છે કે, જગતમંદિરની આસપાસના મુખ્ય વિસ્તારો જેવા કે ગોમતી ઘાટ, શાક માર્કેટ અને પાર્કિંગ સ્થળોએ યાત્રિકોની સુખાકારી માટે કાયમી ધોરણે નવા ટોયલેટ બ્લોક બનાવવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે મોબાઈલ ટોયલેટ વાનની વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત, શહેરમાં અન્ય જગ્યાએ આવેલા હાલના મુતરડી અને ટોયલેટ બ્લોકની હાલત પણ સફાઈના અભાવે અત્યંત બિસ્માર હોવાથી તેની પણ નિયમિત સફાઈ અને જાળવણી કરવાની માંગ કરવામાં આવી છે.
દ્વારકા જગતમંદિર પાસે શૌચાલયની સુવિધાના અભાવે યાત્રિકો પરેશાન: અંકિત સામાણી દ્વારા નગરપાલિકામાં રજૂઆત
RELATED ARTICLES


