યાત્રાધામ દ્વારકામાં સુરક્ષાના કારણોસર જાહેર કરાયેલા ‘રેડ ઝોન’માં નિયમોનો ભંગ કરવો એક પરપ્રાંતિય યુવકને ભારે પડ્યો છે. દ્વારકાના સુપ્રસિદ્ધ ગોમતીઘાટ વિસ્તારમાં, જ્યાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક હોય છે અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે, ત્યાં ઉત્તર પ્રદેશના એક શખ્સે ડ્રોન ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુપીથી આવેલો આ શખ્સ ગોમતીઘાટ પર ડ્રોન કેમેરા દ્વારા શૂટિંગ કરી રહ્યો હતો. આ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોવાથી તેને ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ (રેડ ઝોન) જાહેર કરવામાં આવ્યો છે. પોલીસના ધ્યાને આ બાબત આવતા તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું. પોલીસે કાયદાકીય જોગવાઈઓ અને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી અને શખ્સની અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ડ્રોન ઉડાડવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. તેમ છતાં, ઘણીવાર બહારથી આવતા પ્રવાસીઓ નિયમોની અવગણના કરીને આવા કૃત્ય કરે છે, જેના પરિણામે તેમણે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
દ્વારકા: ગોમતીઘાટ પર ‘રેડ ઝોન’નો ભંગ ભારે પડ્યો, ડ્રોન ઉડાડનાર યુપીના શખ્સ સામે પોલીસ ફરિયાદ
RELATED ARTICLES


