દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ 181 મહિલા અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને ગંભીર ફરિયાદ નોંધાવી હતી. તેણીએ જણાવ્યું હતું કે, રોજ કોલેજ આવતાં-જતાં જે બસમાં મુસાફરી કરે છે તેમાં 7થી 8 યુવકો દ્વારા સતત પજવણી અને અપશબ્દો બોલીને હેરાનગતિ કરવામાં આવે છે. ચાલુ બસમાં રોજબરોજ થતી આ શરમજનક ઘટનાઓને કારણે તેણી ભારે માનસિક તણાવમાં હતી.
ફરિયાદ મળતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક હરકતમાં આવી. ટીમ દ્વારા બસના કંડક્ટરનો સંપર્ક કરીને બસને નજીકના આગલા સ્ટેશન પર ઊભી રાખવાની વ્યવસ્થા કરાવવામાં આવી. બસ સ્ટેશન પર પહોંચતા જ 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પીડિત વિદ્યાર્થિની સાથે વાતચીત કરી સમગ્ર હકીકત જાણી.
વિદ્યાર્થિનીએ જણાવ્યું કે આ યુવકો રોજ આ જ બસમાં આવનજાવન કરતા હોય છે અને સતત અપશબ્દો બોલી પજવણી કરતા રહે છે. ટીમ દ્વારા તરત જ સંબંધિત યુવકોને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા અને પૂછપરછ કરવામાં આવી. સાથે સાથે 112 ઇમરજન્સી ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી.
પછી યુવકોને 112ની ગાડીમાં અને વિદ્યાર્થિનીઓને 181ની ગાડીમાં બેસાડી નજીકના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. પોલીસ દ્વારા યુવકોને તેમની છેડતી અને ગેરવર્તણૂક બાબતે કડક સમજ આપી અને ચેતવણી આપવામાં આવી કે ભવિષ્યમાં કોઈપણ યુવતી સાથે આવી શરમજનક હરકત નહીં કરે. આ કાર્યવાહીથી વિદ્યાર્થિનીઓમાં સુરક્ષાનો ભાવ વધ્યો અને 181 મહિલા હેલ્પલાઇનની ઝડપી કામગીરીને વખાણવામાં આવી.