દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર રાઠોડ દ્વારા આપેલી સૂચનાઓ અન્વયે કલ્યાણપુર પોલીસે સફળ કામગીરી કરી છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. ટી.સી. પટેલના માર્ગદર્શન હેઠળ ભાટીયા આઉટપોસ્ટની ટીમે મેવાસા ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
વિગતો મુજબ, ભાટીયા આઉટપોસ્ટના પી.એસ.આઈ. કે.પી. ઝાલાની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ માલદેભાઈ બરાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે મેવાસા ગામમાં રહેતા હેમતભાઈ અરશીભાઈ ધ્રાંગુના મકાને દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ ૩૮ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૪૯,૪૦૦ ગણવામાં આવી છે.
આ રેડ દરમિયાન પોલીસે આરોપી હેમતભાઈ અરશીભાઈ ધ્રાંગુ (ઉ.વ. ૩૩, રહે. મેવાસા) ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી મશરીભાઈ ઉર્ફે મહેશભાઈ દેવશીભાઈ બરાઈ (રહે. જામનગર) સ્થળ પર હાજર મળી આવ્યો ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં પી.એસ.આઈ. કે.પી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ એચ.ડી. કરમુર, એમ.કે. બરાઈ, ડી.એમ. બાવળીયા અને કોન્સ્ટેબલ વનરાજસિંહ ગોહિલે જહેમત ઉઠાવી હતી.


