દ્વારકાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પૂર્વ કલેક્ટર તથા આઈ.એ.એસ. અધિકારી અશોક શર્માએ પરિવાર સાથે જગતમંદિર ખાતે ધ્વજારોહણ કરી કાળિયાઠાકરના ચરણોમાં શિશ ઝુકાવ્યું. આ પ્રસંગે તેમણે પ્રભુ પ્રત્યે પોતાની ગાઢ આસ્થા વ્યક્ત કરતાં જણાવ્યું કે, “પ્રભુની ઈચ્છાથી નિવૃત્તિ પહેલા જ મારા જીવનનો એક મહત્વનો મનોરથ પૂર્ણ થયો છે.”
જગતમંદિરમાં ધ્વજારોહણ અને વિશેષ પૂજન દરમિયાન શર્માએ અલૌકિક ધન્યતા અને આત્મિક શાંતિનો અનુભવ કર્યો. કાળિયાઠાકરના સાનિધ્યમાં કરવામાં આવેલ આ વિશેષ પૂજન તેમના જાહેર જીવનના મહત્વપૂર્ણ પડાવને આસ્થા સાથે જોડતું રહ્યું.
પૂર્વ કલેક્ટર અશોક શર્માએ દ્વારકાના વિકાસ માટે અનેક મહત્વના પ્રોજેક્ટ્સને આગળ વધાર્યા છે. ખાસ કરીને દ્વારકા એરપોર્ટ સહિતના માળખાકીય વિકાસ કાર્યોમાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન શહેરના વિકાસને નવી દિશા અને ગતિ મળી હોવાનું સ્થાનિકો દ્વારા પણ સ્વીકારવામાં આવે છે.
આ પ્રસંગે શર્માએ ભારત ફરી એક વખત ‘વિશ્વગુરુ’ અને ‘સોને કી ચીડિયા’ બનતું જઈ રહ્યું હોવાનું ગૌરવપૂર્વક જણાવ્યું. તેમણે દેશના ઝડપી વિકાસ, આધ્યાત્મિક મૂલ્યો અને સંસ્કૃતિના સંરક્ષણ પ્રત્યે પોતાની આશા વ્યક્ત કરી.
ધાર્મિક આસ્થા અને પ્રશાસકીય સેવા—બન્નેનું સુંદર સંયોજન દર્શાવતો આ પ્રસંગ દ્વારકાવાસીઓ માટે પણ યાદગાર બન્યો.


