ધરમપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર પૂર્ણ. ત્રિદિવસીય ચર્ચા-પરામર્શ દ્વારા સેવા, સુશાસન અને વિકાસના નવા માર્ગો નક્કી. ઉત્તમ પ્રશાસનિક સેવાઓ આપનાર અધિકારીઓનું સન્માન.
ધરમપુર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત 12મી વાર્ષિક ચિંતન શિબિરનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શક વક્તવ્ય સાથે સફળ સમાપન થયું. આ શિબિરનો મુખ્ય હેતુ રાજ્યના સર્વાંગી વિકાસ માટે નીતિ-નિર્ણયોને વધુ મજબૂત બનાવવાનો હતો.
ત્રણ દિવસ ચાલેલી આ ઉચ્ચસ્તરીય શિબિરમાં રાજ્યના વિવિધ વિભાગો દ્વારા સેવા, સુશાસન, જાહેર કલ્યાણ, ટેક્નોલોજી આધારિત પ્રશાસન અને ભવિષ્યની વિકાસ યોજનાઓ જેવા મુદ્દાઓ પર વ્યાપક મન્થન કરવામાં આવ્યું. અધિકારીઓ અને વિભાગીય વડાઓએ તેમના વિસ્તારોમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અંગે પ્રસ્તુતિ આપી અને જરૂરી સુધારાઓ અંગે વિચારમંથન કર્યું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળ ગુજરાત સતત વિકસિત રાજ્ય તરીકે આગળ વધી રહ્યું છે અને “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવા માટે દરેક સ્તરે પ્રતિબદ્ધતા જરૂરી છે.
કાર્યક્રમ દરમિયાન રાજ્યના પ્રશાસનિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સનદી અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ શિબિરે રાજ્યના ભવિષ્યને વધુ ઉત્તમ બનાવવા નવી દિશાઓનું ચિંતન પૂરું પાડ્યું હોવા ની ભાવના વ્યક્ત થઇ.


